<font face="mangal" size="3px">સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16</font> - આરબીઆઈ - Reserve Bank of India
સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16
આરબીઆઇ/2015-16/218 30 ઓક્ટોબર 2015 અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક પ્રિય મહોદય/મહોદયા, સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16 તારીખ 30 ઓક્ટોબર 2015ની અધિસૂચના એફ.સં.4(19)-ડબલ્યુઅનેએમ/2014 મુજબ, ભારત સરકાર દ્વારા, તારીખ 05 નવેમ્બર 2015 થી 20 નવેમ્બર, 2015 સુધીમાં, સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015 (બોન્ડસ) જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર આ યોજના, અગાઉથી નોટિસ આપીને તેના નિર્ધારિત સમય પહેલા પણ બંધ કરી શકે છે. બોન્ડ્સ જારી કરવા સંબંધિત નિયમો અને શરતો નીચે પ્રમાણે રહેશે. 1. રોકાણ માટે પાત્રતા આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ જે ભારતમાં નિવાસી છે તે તેની વ્યક્તિગત ક્ષમતામાં અથવા તો સગીર બાળક વતી અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત રીતે બોન્ડ્સ ધારણ કરી શકે છે. “ભારતમાં નિવાસી વ્યક્તિ” ની વ્યાખ્યા વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ, 1999 ની બે સહપાઠિત કલમો 2 (વી) અને 2(યુ) માં આપવામાં આવેલી છે. 2. જામીનગીરીનું ફોર્મ સરકારી જામીનગીરી અધિનિયમ, 2006ની કલમ 3 ની જોગવાઈ મુજબ આ બોન્ડ્સ ભારત સરકાર સ્ટોકના ફોર્મમાં જારી કરવામાં આવશે. રોકાણકારને ધારણ પ્રમાણપત્ર – ફોર્મ સી (Holding Certificate – Form C) જારી કરવામાં આવશે. બોન્ડ્સનું ડી-મેટ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાશે. 3. જારી કરવાની તારીખ જારી કરવાની તારીખ નવેમ્બર 26, 2015 રહેશે. બોન્ડ્સ માટેની અરજી રોકાણકારો અરજી સ્વીકારનાર કાર્યાલયોમાં 05 નવેમ્બર 2015થી 20 નવેમ્બર, 2015 સુધીમાં કરી શકશે. ભારત સરકાર દ્વારા અગાઉથી નોટિસ આપીને બોન્ડ્સ ઇસ્યુ 20 નવેમ્બર 2015 પહેલા પણ બંધ કરી શકાશે. 4. મૂલ્યવર્ગીકરણ બોન્ડ્સનું મૂલ્યવર્ગીકરણ એક ગ્રામ સુવર્ણના એકમમાં અને તેના ગુણાંકમાં કરવામાં આવશે. બોન્ડ્સમાં લઘુત્તમ રોકાણ 2 ગ્રામનું કરવાનું રહેશે જ્યારે મહત્તમ રોકાણ એક વ્યક્તિ દીઠ એક નાણાંકીય વર્ષમાં (એપ્રિલ-માર્ચ) 500 ગ્રામ સુવર્ણનું રહેશે. સંયુક્ત ધારણની (joint holding)ના કિસ્સામાં ઉક્ત મર્યાદા પ્રથમ અરજદારને લાગુ પડશે. 5. ઇસ્યુ કિંમત ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવતી 999 પ્રમાણ શુદ્ધ સુવર્ણના અગાઉના અઠવાડીયાના (સોમવાર-શુક્રવાર) બંધભાવની સાદી સરેરાશના આધાર ઉપર બોન્ડ્સની કિંમત ભારતીય રૂપિયામાં નક્કી કરવામાં આવશે. 6. વ્યાજ બોન્ડ્સ ઉપર એક વર્ષના 2.75 ટકા (અચલિત દર)ના દરે પ્રાથમિક રોકાણની રકમ ઉપર વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજ અર્ધ-વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવશે અને અંતિમ વ્યાજ બોન્ડ્સ પરિપકવ થવાના સમયે મુદ્દલની રકમ સહિત ચૂકવવામાં આવશે. 7. સ્વીકારનાર કાર્યાલયો અનુસૂચિત વ્યાપારી બેંકો (પ્રાદેશિક ગ્રામીણ બેંકોને બાદ કરતાં) અને નિર્દિષ્ટ પોષ્ટ ઓફિસીસ (અધિસૂચિત કરવામાં આવે તે મુજબ) ને બોન્ડ્સની અરજી, પ્રત્યક્ષ રીતે યા એજન્ટ દ્વારા, સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવે છે. 8. ચૂકવણીના વિકલ્પો બોન્ડ્સની કિંમતની ચૂકવણી ભારતીય રૂપિયામાં, યા તો રોકડેથી યા ડીમાન્ડ ડ્રાફ્ટ થકી યા ચેકથી યા ઇલેકટ્રોનિક બેંકિંગની મદદથી કરી શકાશે. ચેક અથવા ડ્રાફ્ટ ઉપર પેરા 7 માં જણાવ્યા મુજબની બેંક / પોષ્ટ ઓફિસ (સ્વીકારનાર કાર્યાલય) ની તરફેણમાં લખવાના રહેશે અને જ્યાં અરજી સુપ્રત કરવાની હોય તે જગ્યાએ પેયેબલ બનાવવાના રહેશે. 9. પરત-ચૂકવણી (Redemption) i) બોન્ડ્સ જારી કર્યાની તારીખથી આઠ વર્ષ પૂર્ણ થયા બાદ તેની પરત-ચૂકવણી કરવામાં આવશે. બોન્ડની સમયપૂર્વ પરત-ચૂકવણી તેના જારી કર્યાની તારીખથી પાંચમા વર્ષથી વ્યાજ ચૂકવણીના દિવસે કરી શકાશે. ii) ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવતી 999 પ્રમાણ શુદ્ધ સુવર્ણના અગાઉના અઠવાડીયાના (સોમવાર-શુક્રવાર) બંધભાવની સાદી સરેરાશના આધાર ઉપર બોન્ડ્સની પરત-ચૂકવણીની કિંમત ભારતીય રૂપિયામાં નક્કી કરવામાં આવશે. 10. અવધિ સમાપ્તિની તારીખ સ્વીકૃતિ કરનાર કાર્યાલયો રોકાણકારને બોન્ડ્સની અવધિ સમાપ્તિની તારીખ વિષે અવધિ સમાપ્તિના એક માસ પહેલા જાણ કરશે. 11. વૈધાનિક ચલનિધિ અનુપાત (SLR) માટેની પાત્રતા બોન્ડ્સમાં કરેલું રોકાણ વૈધાનિક ચલનિધિ અનુપાત માટે પાત્ર ઠરાવવામાં આવશે. 12. બોન્ડ્સની સામે લોન બોન્ડ્સનો ઉપયોગ લોન માટે સંપાર્શ્વિક (collateral) તરીકે કરી શકાશે. આરબીઆઈ દ્વારા અધિકૃત કરવામાં આવતી સામાન્ય સુવર્ણ લોનમાં લાગુ પડતો લોન અને મૂલ્યનો ગુણોત્તર આ લોનમાં પણ લાગુ પડશે. નિક્ષેપાગાર (depository)માં બોન્ડ્સ ઉપર અધિકૃત બેંકો દ્વારા બોજો અંકિત કરવામાં આવશે. 13. ટેક્ષ ટ્રીટમેન્ટ આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈ મુજબ બોન્ડ્સ ઉપર મળતું વ્યાજ કરપાત્ર થશે. દ્રવ્યસ્વરૂપે સુવર્ણના કિસ્સામાં વસુલ કરવામાં આવતા કરની મુજબ જ બોન્ડ્સમાં થતા મૂડીગત લાભ (capital gain) ઉપર કર વસુલવામાં આવશે. 14. અરજીઓ બોન્ડ્સ માટેની અરજી નિર્ધારિત અરજી ફોર્મ (ફોર્મ ‘એ’) માં કરવાની રહેશે અથવા અન્ય કોઈ ફોર્મ જે એના જેવું જ હોય તેમાં કરવી જેમાં સુવર્ણના ગ્રામ અંગેની વિગત તેમજ અરજદારનુ આખું નામ અને સરનામાની વિગતો સ્પષ્ટપણે લખવી. ફોર્મ સ્વીકારનાર કાર્યાલય તેની સામે સ્વીકૃતિ અંગેની પહોંચ ફોર્મ ‘બી’ માં જારી કરશે. 15. નામાંકન (Nomination) ભારત જામીનગીરી અધિનિયમ, 2006 (2006ની 38) તેમજ ભારતના રાજપત્ર તારીખ 01 ડીસેમ્બર 2007ના વિભાગ-3ની કલમ-4 માં પ્રકાશિત થયેલા ભારત જામીનગીરી વિનિયમો, 2007 ની જોગવાઈઓ મુજબ નામાંકન અને તેનું રદ્દીકરણ ફોર્મ ‘ડી’ અને ફોર્મ ‘ઈ’ માં અનુક્રમે કરવાનું રહેશે. 16. હસ્તાંતરણ ભારત જામીનગીરી અધિનિયમ, 2006 (2006ની 38) તેમજ ભારતના રાજપત્ર તારીખ 01 ડીસેમ્બર 2007ના વિભાગ-3ની કલમ-4 માં પ્રકાશિત થયેલા ભારત જામીનગીરી વિનિયમો, 2007 ની જોગવાઈઓ અનુસાર બોન્ડ્સનું હસ્તાંતરણ, તે માટેના પ્રપત્ર - ફોર્મ ‘એફ’ માં કરી શકાશે. 17. બોન્ડમાં લે-વેચ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલી તારીખથી બોન્ડ્સ લે-વેચ કરવાને પાત્ર બનશે. 18. વહેંચણી માટેનું કમીશન બોન્ડ્સની અરજી સ્વીકારનાર કાર્યાલયને, જેટલી અરજી સ્વીકારી હશે તે સાથે આવેલી કુલ ભરણાની રકમના દરેક સો રૂપિયા દીઠ એક રૂપિયો કમિશન આપવામાં આવશે અને ફોર્મ્સ સ્વીકારનાર કાર્યાલય તેમાંથી ઓછામાં ઓછા 50 ટકા જેટલું કમિશન એજન્ટો અને સબ-એજન્ટોને કામકાજ મેળવવા બદલ વહેંચશે. 19. ભારત સરકારના નાણાં મંત્રાલય (આર્થિક બાબતોનો વિભાગ) તરફથી તારીખ 8 ઓક્ટોબર 2015ના રોજ જારી કરવામાં આવેલ અધિસૂચના એફ.સં.4(13) ડબલ્યુ એન્ડ એમ/2008 માં દર્શાવેલ અન્ય નિયમો અને શરતો પણ બોન્ડ્સને લાગુ પડશે. ભવદીય, (ચંદન કુમાર) |