<font face="mangal" size="3px"><span style="font-family:Arial;">₹</span>2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પ& - આરબીઆઈ - Reserve Bank of India
₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે
19 મે, 2023 ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે ₹500 અને ₹1,000ની તમામ બેંકનોટ, જે સમયે તે ચલણમાં હતી તે સમયે, તેઓનો વૈધ મુદ્રા (legal tender)નો દરજ્જો પરત ખેંચ્યા બાદ, અર્થતંત્રની ચલણની જરૂરિયાતને મુખ્યત્વે ઝડપથી પૂરી કરવા માટે, આરબીઆઈ અધિનિયમ, 1934ની કલમ 24(1) અંતર્ગત નવેમ્બર, 2016 માં ₹2,000ની બેંકનોટ જારી કરવામાં આવી હતી. અન્ય મૂલ્યવર્ગોની બેંકનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થતાં, ₹2,000ની બેંકનોટ જારી કરવાનો ઉદ્દેશ પૂરો થયો હતો. આથી ₹2,000ની બેંકનોટનું મુદ્રણ 2018-19માં અટકાવી દેવામાં આવ્યું હતું. 2. ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટમાંથી 89% જેટલી બેંકનોટ માર્ચ, 2017 પૂર્વે જારી કરી દેવામાં આવી હતી અને તેમની 4-5 વર્ષની અંદાજિત આયુ મર્યાદા હવે પૂરી થવા આવી છે. તારીખ 13 માર્ચ, 2018ના રોજ ચલણમાં રહેલી આ બેંકનોટનું કૂલ મૂલ્ય ₹6.73 લાખ કરોડ, જે સૌથી અધિકતમ હતું (ચલણમાં રહેલી નોટોના 37.3%), તે ઘટીને ₹3.62 લાખ કરોડ થઈ ગયું, જે તારીખ 31 માર્ચ, 2023ના રોજ ચલણમાં રહેલી નોટોના ફક્ત 10.8% જેટલું થવા જાય છે. એમ પણ જોવામાં આવ્યું છે કે વ્યવહારો કરવા માટે સામાન્ય રીતે આ મૂલ્યવર્ગની નોટનો ઉપયોગ કરવામાં નથી આવતો. વધુમાં, જાહેર જનતાની ચલણની જરૂરિયાતને પૂરી કરવા માટે અન્ય મૂલ્યવર્ગની બેંકનોટોની પર્યાપ્ત માત્રા ઉપલબ્ધ થતી રહી છે. 3. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેતા અને ભારતીય રિઝર્વ બેંકની “સ્વચ્છ નોટ નીતિ”ને અનુસરતા ₹2,000 ના મૂલ્યવર્ગની બેંકનોટને ચલણમાંથી દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 4. ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ વૈધ મુદ્રા (legal tender) તરીકે જારી રહેશે. 5. એ બાબતની નોંધ લેવી રહી કે આરબીઆઈએ આવી જ રીતે 2013-2014માં ચલણમાંથી નોટો પરત ખેંચી હતી. 6. એ મુજબ, જનસામાન્ય પોતાની ₹2,000ની બેંકનોટોને તેમના બેંક ખાતાઓમાં જમા કરાવી શકે છે અને / અથવા કોઈપણ બેંક શાખામાં અન્ય મૂલ્યવર્ગની બેંકનોટો સામે બદલાવી શકે છે. બેંક ખાતાઓમાં હંમેશની રીતે એટલે કે મર્યાદા વગર અને પ્રવર્તમાન સૂચનો અને અન્ય લાગૂ પડતી કાનૂની જોગવાઈઓને આધીન જમા કરાવી શકે છે. 7. પરિચાલનીય અનુકૂળતા (operational convenience) જળવાઈ રહે તે માટે અને બેંકની શાખાઓની નિયમીત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ ન પહોંચે તે માટે 23 મે, 2023થી કોઈપણ બેંકમાં અન્ય મૂલ્યવર્ગની નોટો સામે ₹2,000ની બેંકનોટો એક વખતે ₹20,000ની મર્યાદા સુધી બદલાવી શકાશે. 8. આ કાર્યને સમયબદ્ધ રીતે પૂરું કરવા માટે અને જનસામાન્યને પૂરતો સમય આપવા માટે, તમામ બેંકો તારીખ 30 સપ્ટેમ્બર, 2023 સુધી, ₹2,000ની બેંકનોટો માટે જમા કરવાની અને / અથવા બદલાવવાની સુવિધા પૂરી પાડશે. બેંકોને અલગ માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે. 9. એક વખતે ₹20,000ની મર્યાદા સુધી ₹2,000ની બેંકનોટો બદલાવવા માટેની સુવિધા 23 મે, 2023થી આરબીઆઈના 19 પ્રાદેશિક કાર્યાલયો, જ્યાં નિર્ગમ વિભાગ1 છે, ત્યાં પણ પૂરી પાડવામાં આવશે. 10. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલીક અસરથી ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટો જારી કરવાનું બંધ કરવા માટે સૂચિત કરેલ છે. 11. જનસામાન્યને ₹2,000ની બેંકનોટો જમા કરવા અને / અથવા બદલાવવા માટે 30 સપ્ટેમ્બર, 2023 સુધીના સમયનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ સંદર્ભમાં વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુસ) સાથેનો એક દસ્તાવેજ, જનતાની માહિતી અને અનુકૂળતા માટે, આરબીઆઈની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. (યોગેશ દયાલ) પ્રેસ વિજ્ઞપ્તિ: 2023-2024/257 1 અમદાવાદ, બેંગલોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઈ, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ |