RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78491251

મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]

તારીખ: 21 ડીસેમ્બર 2016

મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]

સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની બીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 6 અને 7 ડીસેમ્બર 2016 ના રોજ મળેલી.

2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકસ; અને ડૉ. રવીન્દ્ર એચ. ધોળકિયા, પ્રોફેસર, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ; ડૉ. માઈકલ દેવવ્રત પાત્ર, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર,(ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB (2) (c) હેઠળ સેન્ટ્રલ બોર્ડ દ્વારા નામિત બેંક ના અધિકારી ); શ્રી આર. ગાંધી, ડેપ્યુટી ગવર્નર-મોનેટરી પોલીસી ના પ્રભારી અને ડૉ. ઉર્જિત આર. પટેલે પ્રમુખ સ્થાન સંભાળ્યું.

3. સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZL અન્વયે, રિઝર્વ બેંક મોનેટરી પોલીસી કમિટી ની પ્રત્યેક મીટીંગ પછી ના ચૌદમા દિવસે બેઠક ની કાર્યવાહી નું કાર્યવૃત્ત પ્રકાશિત કરશે કે જેમાં નીચેના નો સમાવેશ થશે:-

(અ) મોનેટરી પોલીસી કમિટી ની બેઠક માં સ્વીકારવામાં આવેલો ઠરાવ

(બ) ઉક્ત બેઠક માં પસાર કરાયેલા ઠરાવો પર મોનેટરી પોલીસી કમિટી ના આવા પ્રત્યેક સભ્ય ને પ્રદાન કરવામાં આવેલ મત

(ક) કલમ 45ZI ની પેટા કલમ (11) હેઠળ ઉક્ત બેઠક માં પસાર કરાયેલા ઠરાવો પર મોનેટરી પોલીસી કમિટી ના પ્રત્યેક સભ્ય નું નિવેદન

4. એમપીસી એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગ્રાહક નો વિશ્વાસ, ઘરેલુ ફુગાવાની અપેક્ષાઓ, કોર્પોરેટ ક્ષેત્ર નું કાર્ય નિષ્પાદન, ધિરાણ સ્થિતિ, ઔદ્યોગિક, સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો માટે ના અંદાજો ને માપવા માટે કરાયેલા સર્વેક્ષણો અને વ્યવસાયિક પૂર્વાનુમાનકર્તાઓ ના અંદાજો ની સમીક્ષા કરી. સમિતિ એ સ્ટાફ ના મેક્રોઇકોનોમિક અંદાજો અને સંભાવનાઓ માટે ના વિવિધ જોખમો ની આસપાસ ના પરિદ્રશ્યો ની વિસ્તાર થી સમીક્ષા કરી. ઉપર્યુક્ત અને નાણા નીતિ ના વલણ પર વિસ્તાર થી ચર્ચા બાદ એમપીસી એ નીચે દર્શાવેલ ઠરાવ સ્વીકાર્યો.

ઠરાવ

5. નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) એ આજે તેની મીટીંગ માં વર્તમાન અને ઊભરાતી સમષ્ટિ આર્થિક સ્થિતિના મૂલ્યાંકનના આધારે નિર્ણય લીધો છે કે:

  • લીક્વીડીટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF) હેઠળ નીતિ રેપોરેટ 6.25 % એ યથાવત રાખવો.

6. પરિણામ સ્વરૂપ, એલ એ એફ હેઠળ રીવર્સ રેપોરેટ 5.75 % અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી (એમ એસ એફ) રેટ અને બેંક રેટ 6.75 % યથાવત રહે છે.

7. એમ પી સી નો નિર્ણય નાણાનીતીના ઉદાર વલણને અનુરૂપ છે કે જે વિકાસને સહાય આપતા વર્ષ 2016 – 17 ના ચોથા ત્રિમાસિક માં ગ્રાહક મૂલ્ય સૂચકઆંક (સી પી આઈ) ફુગાવાના 5 % ના ધ્યેયને હાંસલ કરવાના અને + / - 2% ની રેન્જ ની અંદર 4 % ના મધ્યમગાળાના લક્ષ્યાંકને અનુરૂપ છે. આ નિર્ણયને રેખાંકિત કરવા વાળા મુખ્ય વિચારો નીચેના નિવેદનમાં આપેલા છે.

મૂલ્યાંકન

8. વર્ષ 2016 ના પ્રથમ અર્ધ વર્ષમાં નબળાઈ બાદ વૈશ્વિક વૃદ્ધિ એ દ્વિતીય છ માસમાં સંયમિત રીતે વેગ પકડ્યો. અમેરિકામાં સ્થિતિ ઊલટી થવાથી વિકસિત અર્થતંત્રો માં (એડ્વાન્સ્ડ ઈકોનોમીઝ AEs) પ્રવૃત્તિઓ માં ખચકાટ સાથે સુધારો થયો. ઊભરતા બજાર અર્થતંત્રોમાં (ઈ એમ ઈ) વૃદ્ધિ નરમ પડી પરંતુ ચીન માં નીતિવિષયક પ્રોત્સાહનો અને મોટા ચીજવસ્તુઓ ના નિકાસકારો માં તનાવ કંઈક સહજ થવાથી ગતિમાં મજબૂતાઈ આવી. વિશ્વ વેપાર કે જે જૂલાઈ – ઓગષ્ટ માં તળીયે ગયેલો તેણે ખાઈમાંથી બહાર આવવાનું શરૂ કર્યું છે અને સ્થિર થવાના ચિન્હો દર્શાવ્યા છે. કેટલાક વિકસિત અર્થતંત્રો માં (એ ઈ) ફુગાવો વધ્યો છે પરંતુ તે લક્ષ્યાંક થી નીચે જ છે અને ઊભરતા બજાર અર્થતંત્રો માં સહજ થયો છે. અમેરિકા, જાપાન અને ચીન માં રીફ્લેશનરી રાજકોષીય નીતિઓની અપેક્ષાઓ અને મંદીના ના સમયમાં ઊભરતી અર્થવ્યવસ્થાઓ પરના નીચેની તરફના દબાણો ઓછા થવાની ગતિ યુરો ક્ષેત્ર અને યુકે માં વર્તમાનમાં પ્રવર્તમાન રાજદ્વારી જોખમો, ઊભરતા ભૂ રાજકીય જોખમો અને નાણાકીય બજાર ની અસ્થિરતા એ ધીમી પાડી છે.

9. આંતરરાષ્ટ્રીય નાણા બજાર પર અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અને પ્રાપ્ત આંકડાઓ ના પરિણામ નો ખૂબ મોટો પ્રભાવ પડ્યો કે જેણે ફેડરલ રીઝર્વ દ્વારા કડક નાણા નીતિ અપનાવવાની સંભાવના વધારી દીધી. જો કે અસ્થિરતા ના ઝટકાઓથી અમેરિકા ની ઇક્વિટીમાં જોખમ – મુક્ત ઉછાળ વધી ગયો અને સ્થિર આવક બજારોમાં જોખમ ભરેલી ગભરાટથી ઊભરતા બજાર અર્થતંત્રો માંથી મૂડી પ્રવાહ ને બહાર ખેંચી લીધો જેનાથી તેમના ચલણ અને ઇક્વિટી બજારો હાલના ન્યૂનતમ સ્તર પર પહોંચ્યા છે જો કે બોન્ડ પરનું વળતર (વ્યાજ) અમેરિકાના વળતર (યીલ્ડ) સાથે સખત થયું છે. ચૂંટણીના પરિણામો પછી ઓક્ટોબર ના ઉત્તરાર્ધ થી અમેરિકા ના ડોલરમાં વૃદ્ધિ તેજ થઇ ગઈ છે અને વિશ્વભરના ચલણોમાં ઘણો મૂલ્ય ઘટાડો શરૂ થઇ ગયો. અમેરિકાના ચૂંટણી પરિણામો ને અનુસરીને માંગ માટેની સંભાવનાઓ સુધરવાથી નવેમ્બરના મધ્ય થી સુવર્ણ સિવાયની ચીજવસ્તુઓ ની કિંમતો બધી જગ્યાએ વધી ગઈ, સુવર્ણ ની સુરક્ષીત આશ્રય વાળી ચમક અમેરિકી ડોલર સામે અદ્રશ્ય થઇ ગઈ. ઓપેક ના ઉત્પાદન ઓછું કરવાના નિર્ણય પછી ક્રુડ (કાચા તેલ) ઓઈલની કિંમતો વધી ગઈ.

10. ઘર આંગણે, ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં અપેક્ષા થી વધુ મંદીના કારણે વર્ષ 2016 – 17 ના બીજા ત્રિમાસિક માં વાસ્તવિક જીવીએ (ગ્રોસ વેલ્યૂ એડેડ) ની વૃદ્ધિ અંદાજ કરતાં ઘણી ઓછી રહી. નબળી માંગ ની સ્થિતિ અને કોર્પોરેટ ની નફાકારકતા ઘટાડનારી ઈનપુટ ખર્ચમાં વધારાની સાથે ઉત્પાદન ક્રમાનુસાર અને વાર્ષિક આધાર, બંને પર ઘટ્યું. કુલ સ્થિર મૂડી નિર્માણ સળંગ ત્રીજા ત્રિમાસ માં ઘટ્યું. જો કે સરકાર ના અંતિમ વપરાશ ખર્ચ માં ક્રમશ: ઘટાડો થયો, પરંતુ તેનાથી ખાનગી અંતિમ વપરાશ ખર્ચને મદદ મળી જે કુલ માંગનો આધાર છે. કુલ માંગમાં ચોખ્ખી નિકાસો નો ફાળો હકારાત્મક રહ્યો પરંતુ તે નિકાસ ની તુલનામાં આયાત માં ઝડપી ઘટાડાને કારણે.

11. ત્રીજા ત્રિમાસ પર વાત કરતાં, સમિતિ ને લાગ્યું કે નિર્દિષ્ટ બેન્કનોટો (એસ બી એન) ને પરત ખેંચવાથી હજુ પણ પ્રકટ અસરો દ્વારા કરેલા મૂલ્યાંકન પર વાદળો છવાયેલા છે. મુખ્ય પાકોમાં રવિ પાક ની વાવણી ના ક્ષેત્રફળમાં સ્થિર વધારો થવાથી ગયા વર્ષની તુલનામાં બીજા ત્રિમાસ માં કૃષિ નું મજબૂત પ્રદર્શન રહેવું જોઈએ. તેનાથી વિપરીત, ઔદ્યોગિક પ્રવૃત્તિ નબળી રહી. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકઆંક (આઈ આઈ પી) માં મુખ્ય ઉદ્યોગોમાં, કોલસા ના ઉત્પાદનમાં ધીમી માંગના કારણે ઓક્ટોબરમાં ઘટાડો થયો જયારે કાચા તેલ અને પ્રાકૃતિક ગેસ ના ઉત્પાદનમાં માળખાગત મુશ્કેલીઓના બંધનકારી દબાણો હેઠળ ઘટાડો થયો. સિમેન્ટ, ખાતરો અને વીજળીનું ઉત્પાદન ઘટવાનું ચાલુ રહ્યું જે આધારભૂત આર્થિક પ્રવૃત્તિઓમાં સુસ્તી પ્રદર્શિત કરે છે. બીજી તરફ, પ્રતિકારક શૂલ્ક લાગુ પડવાથી લોખંડના ઉત્પાદનમાં નિરંતર વધારો નોંધાયો. નિકાસોમાં વધારો અને ક્ષમતામાં વધારાની મદદથી રીફાઇનરીના ઉત્પાદનમાં વધારો થયો. એસ બી એન ના પરત ખેંચવાથી મજૂરી અને ઈનપુટની ખરીદીની ચૂકવણીમાં વિલંબના કારણે નવેમ્બર – ડીસેમ્બર માં ઔદ્યોગિક પ્રવૃત્તિના કેટલાક ભાગોમાં અડચણ પેદા થઇ શકે છે, જો કે સંપૂર્ણ મૂલ્યાંકન ની પ્રતિક્ષા થઇ રહી છે. સેવા ક્ષેત્રમાં મિશ્ર સંભાવના છે જેમાં નિર્માણ, વેપાર, વાહનવ્યવહાર, હોટલ અને કમ્યુનીકેશન એસ બી એન ની કામચલાઉ અસર થી પ્રભાવિત થયા છે જયારે જાહેર વ્યવસ્થા, સંરક્ષણ અને અન્ય સેવાઓ 7 મા કેન્દ્રીય પગાર પંચ (સી પી સી) એવોર્ડ અને વન રેન્ક વન પેન્શન (OROP) ના કારણે ઉત્સાહિત છે. નાણાકીય સેવાઓ દ્વારા જીવીએ માં નીચા ખર્ચ વાળી ડીપોઝીટોના મોટા પ્રવાહના કારણે, ટૂંકાગાળાનું પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

12. શાકભાજીના ભાવોમાં અપેક્ષીત કરતાં વધારે ઝડપથી સંકોચન (ઘટાડા) ના પરિણામ સ્વરૂપ હેડ લાઈન ગ્રાહક મૂલ્ય સૂચકઆંક (સી પી આઈ) દ્વારા માપવામાં આવતો છૂટક ફુગાવો સળંગ ત્રીજા મહિના ઓક્ટોબરમાં અપેક્ષા કરતાં વધુ ઘટ્યો છે. જો કે આ વધુ ઓછી માત્રા હોવા છતાંપણ વિભિન્ન સ્તર પર માસ – દરમાસ ભાવો વધવાના કારણે તેની ગતિમાં એક ઉછાળો આવ્યો છે. અનાજ, કઠોળ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય પદાર્થો ની વધેલી કિંમતો સાથે ખાંડ તથા પ્રોટીનયુક્ત ઉત્પાદનોની હજુ પણ ઉંચી કિમતો ના કારણે ખાદ્ય પદાર્થોના ભાવો ની ગતિમાં ઊછાળો આવ્યો. જેણે મજબૂત અનુકુળ આધાર પ્રભાવ થી ખાદ્યપદાર્થો ના ફુગાવા માં થયેલ ઘટાડા ને આંશિક રીતે બરાબર કરી દીધો. એલ પી જી ની કિંમતોમાં વાર્ષિક આધાર પર થયેલા ઘટાડાના કારણે તથા મહિના અગાઉ વીજળીના ભાવમાં ઘટાડાના કારણે ઇંધણની શ્રેણીમાં ફુગાવો સહજ થયો. ખાદ્ય પદાર્થો તથા ઇંધણને છોડીને ફુગાવો સતત જારી છે. જો કે આવાસીય તથા વ્યક્તિગત દેખરેખ સંબંધિત ફુગાવો અતિઅલ્પ ઓછો થયો છે, શિક્ષા, ચિકિત્સા અને સ્વાસ્થ્ય સેવાઓ અને વાહનવ્યવહાર તથા સંચાર માં ફુગાવામાં નિરંતર વધારાએ આ શ્રેણીના ફુગાવાને સ્થિરતા પ્રદાન કરી છે.

13. ત્રીજા ત્રિમાસ માં તરલતાની સ્થિતિમાં ભારે પરિવર્તન થયેલું છે. ઓક્ટોબર તથા નવેમ્બરની શરૂઆતમાં વધારાની સ્થિતિ પર નવેમ્બર 9 થી નિર્દિષ્ટ બેન્કનોટોને પરત ખેંચવાથી પ્રતિકુળ પ્રભાવ પડ્યો. 2 ડીસેમ્બર સુધીમાં પરિભ્રમણમાં રહેલા ચલણમાં રૂપિયા 7.4 ટ્રીલીયન નો ઘટાડો થયો; પરિણામે ચોખ્ખા વિનિમય, બેન્કિંગ સિસ્ટમમાં ડીપોઝીટોમાં થયેલ વધારો તેના અતિરિક્ત રીઝર્વમાં ભારે વૃદ્ધિ તરફ દોરી ગયો. ભારતીય રીઝર્વ બેન્કે ઓવરનાઈટ થી 91 દિવસ સુધીની વિશાળ રેંજ ધરાવતી મુદતોની પરિવર્તનીય દર રીવર્સ રેપોરેટ ની લીલામીઓ દ્વારા તેના તરલતા પરિચાલન માં વધારો કર્યો કે જેમાં રૂપિયા 5.2 ટ્રીલીયન (ચોખ્ખી) તરલતા ને ઓછી કરવામાં આવી. રીઝર્વ બેન્કે સરકાર દ્વારા જારી કરાયેલ ઓઈલ બોન્ડને એલ એ એફ હેઠળ લાયક સિક્યોરીટી તરીકે મંજૂરી આપી. સિસ્ટમમાંથી વધારાની તરલતાને બહાર કાઢવા માટે હંગામી પગલાં તરીકે 16 સપ્ટેમ્બર 2016 થી 11 નવેમ્બર 2016 વચ્ચે નેટ ડીમાન્ડ એન્ડ ટાઈમ લાયાબીલીટીઝ (NDTL) માં થયેલા વધારા પર 26 નવેમ્બર થી શરૂ થતા પખવાડીયા થી 100 % વૃદ્ધીશીલ સી આર આર લાગુ પાડ્યો. 28 નવેમ્બર થી તરલતા શોષણમાં ઘટાડો થયો અને રીઝર્વ બેન્કે 28 નવેમ્બરે રૂપિયા 3.3 ટ્રીલીયન ની પરિવર્તનીય દર રેપો લીલામી કરી. અપેક્ષા અનુસાર, ત્યાર પછી નાણા બજાર સંકોચિત થયું અને ભારિત સરેરાશ કોલ દર (WACR) નો 30 નવેમ્બરે પોલીસી રેપો રેટ ના સ્તર સુધી આવ્યા પહેલાં તે દિવસે એલ એ એફ કોરીડોર ની ઉચ્ચત્તમ સીમા નજીક વેપાર થયો. સીસ્ટમમાંના અન્ય તમામ દરો તેના સહયોગમાં વધવા માંડ્યા અને ટર્મ પ્રીમિયમોમાં ધીરે ધીરે સુધારો થયો. આ ઘટના દ્વારા સક્રિય તરલતા પ્રબંધન ના કારણે ડબ્લ્યુ. એ. સી. આર. ને સ્થાયી દર રીવર્સ રેપોરેટ સુધી પડતો (નીચે જતો) અટકાવ્યો કે જે એલ એ એફ કોરીડોરની નીચલી સીમા છે. બજાર સ્થિરતા યોજના (એમ. એસ. એસ.) હેઠળ સિક્યોરીટીઝની સીમા / મર્યાદા માં 29 નવેમ્બરે રૂપિયા 03 ટ્રીલીયન થી રૂપિયા 06 ટ્રીલીયન સુધી વધારાના કારણે તરલતા પ્રબંધન ને ટેકો મળ્યો. એમ. એસ. એસ. હેઠળ 6 ડીસેમ્બર 2016 સુધીમાં રૂપિયા 1.4 ટ્રીલીયન ના રોકડ પ્રબંધન બીલ ત્રણવાર જારી કરવામાં આવ્યા.

14. બહારના ક્ષેત્રમાં, ભારતની ઉત્પાદન નિકાસ સપ્ટેમ્બર – ઓક્ટોબર માં વધી. બંને પી. ઓ. એલ. અને નોન પી. ઓ. એલ. નિકાસોમાં વધારાથી હકારાત્મક સ્થિતિમાં પાછા ફર્યા. 22 મહિના ના લાંબા ઘટાડા બાદ, સોનાની આયાતના જથ્થામાં તીવ્ર વૃદ્ધિ અને પી. ઓ. એલ. આયાતો માટે વધેલી ચૂકવણીના કારણે ઓક્ટોબરમાં આયાતમાં વધારો થયો. સાત મહિનાના અંતરાલ પછી નોન – ઓઈલ, નોન – ગોલ્ડ ની આયાતમાં વૃદ્ધિએ હકારાત્મક વળાંક લીધો. એપ્રિલ – ઓક્ટોબર ના ગાળા માટે ઉત્પાદન વ્યાપાર ખાધ ગયા વર્ષની તુલનાએ 25 બીલીયન યુ. એસ. ડોલર ઓછી રહી. તદ્અનુસાર, રેમીટન્સમાં થોડીક ખાધ અને અદ્રશ્ય વસ્તુઓ હેઠળ સોફ્ટવેર નિકાસ થવા છતાંપણ ચાલુખાતાની ખાધ મંદ રહેવાની ધારણા છે. ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ ઠીક ઠીક મજબૂત રહ્યું જેમાં અડધાથી વધુ ઉત્પાદન, સંચાર અને નાણાકીય સેવાઓ તરફ ગયું. આનાથી ઊલટું, ઋણ અને ઇક્વિટી બજારોમાંથી ઓક્ટોબર – નવેમ્બર દરમ્યાન 7.3 બિલિયન યુ. એસ. ડોલરનો પોર્ટફોલિઓ રોકાણ બહાર ગયું – જે સમાન ઈ એમ ઈ માં થયું છે – જે યુ. એસ. રાષ્ટ્રપતિ ની ચૂંટણીના પરિણામથી સક્રિય સ્વદેશી વલણ અને યુ. એસ. માં નાણાકીય નીતિ કડક થવાની નજીકની સંભાવના દર્શાવે છે. તારીખ 2 ડીસેમ્બર 2016 ના રોજ વિદેશી ચલણ અનામત નું સ્તર 364 બીલીયન યુ. એસ. ડોલર રહ્યું.

અંદાજ/ સંભાવનાઓ (Outlook):

15. સમિતિએ કેટલીક વસ્તુઓની કિંમતમાં થયેલ વધારાની નોંધ લીધી જે ઓક્ટોબર દરમ્યાન આધાર પ્રભાવ પર ફુગાવો ઓછો થવાથી ઢંકાયેલો છે. કેટલોક પુરવઠો ખોરવાવા છતાંપણ એસ. બી. એન. પરત ખેંચવાથી નવેમ્બરમાં માંગમાં આકસ્મિક સંકોચન, ડીસેમ્બર માં ઉપલબ્ધ થનાર આકલનમાં, નાશવંત ખાદ્ય વસ્તુઓના ભાવમાં ઘટાડો લાવશે. બીજી બાજુ, ઘઉં, ચણા અને ખાંડ ની કિંમતો વધી રહી છે. ખાદ્ય તથા ઇંધણ સિવાય સી.પી.આઈ.માં માલ અને સેવાઓ પર વિવેકપૂર્ણ ખર્ચ-જેમાં સી.પી.આઈ. બાસ્કેટ ના 16% નો સમાવેશ થાય છે – ને રોકડની સીમિત ઉપલબ્ધી થી પ્રભાવિત કરી શકાતો હતો, આ વસ્તુઓની કિંમતો આ અસ્થિર પ્રભાવોને બદલી શકે છે કારણકે સામાન્ય રીતે તેમને પૂર્વ નિર્ધારિત ચક્રો મુજબ સુધારી શકાય છે. આવાસ, ઇંધણ તથા વિજળી, આરોગ્ય, પરિવહન અને સંચાર, પાન, તમ્બાકૂ અને માદક વસ્તુઓ તથા શિક્ષણ ની કિંમતો – સાથે મળીને સી. પી. આઈ. બાસ્કેટ ના 38 % છે – મોટે ભાગે અપ્રભાવિત રહેશે. આગળ જતાં, આધાર પ્રભાવોમાં પરિવર્તન થવાનું અપેક્ષીત છે અને ડીસેમ્બર અને ફેબ્રુઆરીમાં પ્રતિકૂળ થશે. જો અવરોધોના કારણે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાદ્ય પદાર્થોની કિંમત નહી ઘટે તો ખાદ્ય ફુગાવાનું દબાણ ફરીથી ઊભું થશે. વધુમાં, ખાદ્ય પદાર્થો તથા ઇંધણ સિવાય નો સી. પી. આઈ. ફુગાવો ઘટાડાનો વિરોધી રહ્યો છે અને તે હેડ લાઈન ફુગાવા માટે સીમા નિર્ધારિત કરી શકે છે. ઓપેકનો ઉત્પાદન ઘટાડવાનો કરાર સાથે આવનારા મહિનાઓમાં ક્રુડ ઓઈલના ભાવો વધી શકે છે. વૈશ્વિક ગતિવિધિઓ ખાસ કરીને યુ. એસ. ની નાણાકીય અને રાજકોષીય નીતિના ભાવી વલણમાં નાણાકીય બજારો પ્રભાવિત થવા, વિદેશી વિનિમય દર ને અસ્થિર કરી શકે છે કે જેને કારણે ફુગાવાને બળ મળી શકે છે. એસ. બી. એન. ને પરત ખેંચવાથી ત્રીજા ત્રિમાસ માં ફુગાવામાં 10 – 15 આધાર અંક નો સંભવિત ઘટાડો થઇ શકે છે. આં પરિબળોને ધ્યાનમાં લેતાં, 2016 – 17 ના ચોથા ત્રિમાસ માં શીર્ષ ફુગાવો 5 % અંદાજવામાં આવ્યો છે. જેમાં જોખમ ઉપરની તરફ છે પરંતુ ઓક્ટોબરની નીતિ સમિક્ષા થી ઓછો છે. સાતમા પગારપંચના એવોર્ડ હેઠળ ઘરભાડા ભથ્થાની સંપૂર્ણ અસરોનું મૂલ્યાંકન, તેનો અમલ વિલંબિત હોવાથી, હજુ બાકી છે અને ફુગાવાની બેસ લાઈન પ્રક્રિયામાં તેની ગણતરી કરવામાં આવી નથી. (ચાર્ટ – I)

16. 2016 – 17 માટે જીવીએ વૃદ્ધિનો અંદાજ, બીજા ત્રિમાસ માં 50 આધાર અંક ગતિ નું અપેક્ષીત નુકસાન અને એસ. બી. એન. પરત ખેંચવાથી થયેલી અસરો કે જે હજુ પણ બહાર છે ના પ્રભાવથી અનિશ્ચિત બની ગયો છે. નજીકના ભવિષ્યમાં નકારાત્મક જોખમો બે મુખ્ય ચેનલો દ્વારા આવી શકે છે:

(a) રોકડ – તીવ્રતા વાળા ક્ષેત્રો જેવા કે છૂટક વેપાર, હોટેલ, રેસ્ટોરન્ટ અને પરિવહન તથા અસંગઠિત ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં ટૂંકાગાળાના અવરોધો, (b) પ્રતિકૂળ સંપત્તિ પ્રભાવો સાથે જોડાયેલ કુલ માંગમાં દબાણ. પ્રથમ ચેનલની અસર નવી ચલણી નોટો ના પરિભ્રમણમાં પ્રગતિશીલ વૃદ્ધિ તથા અર્થતંત્રમાં બિન – રોકડ આધારિત ચૂકવણીના ઈનસ્ટ્રુમેન્ટસના વધારે ઉપયોગથી ઓસરી શકે છે; જયારે બીજી ચેનલની અસર મર્યાદિત રહેવાની સંભાવના છે. ઓક્ટોબર 2016 માં એચ – 2 માં જી. વી. એ. વૃદ્ધિ 7.7 % અને સમગ્ર વર્ષ માટે 7.6 % અંદાજવામાં આવી હતી. ત્રીજા ત્રિમાસમાં વૃદ્ધિ ની ગતિમાં અપેક્ષીત નુકસાન ને સામેલ કરતા અને ઉચ્ચત્તર કૃષિ ઉત્પાદન તથા 7 માં પગારપંચ એવોર્ડના અમલીકરણ ના કારણે વપરાશી માંગમાં વધારો થતા સાથે સાથે ચોથા ત્રિમાસમાં ઢળતા પ્રભાવના કારણે સમાનરૂપથી સંતુલિત જોખમો સાથે 2016 – 17 માટે જી. વી. એ. વૃદ્ધિ 7.6 % થી 7.1 % સુધી નીચે પરિવર્તિત કરવામાં આવી. (ચાર્ટ – 2)

17. તરલતા પ્રબંધન રૂપરેખાને એપ્રિલમાં પુન:અદ્યતન કરવામાં આવી જેનો ઉદ્દેશ નિયમિત સવલતો દ્વારા ટૂંકાગાળાની તરલતા ની જરૂરિયાતો, ઉત્કૃષ્ટ ટ્યુનીંગ પરિચાલનથી ઘર્ષણયુક્ત અને મોસમી અમેળ તથા ચોખ્ખી વિદેશી સંપત્તિઓ અને ચોખ્ખી ઘરેલૂ સંપત્તિઓના નિયમન દ્વારા વૃદ્ધિને સુવિધાજનક બનાવવા વધુ ટકાઉ તરલતાની આવશ્યક્તાઓને પૂરી કરવાનો છે. રીઝર્વ બેન્કે આ રૂપરેખા સાથે સુસંગત હોય તે રીતે તરલતા પ્રબંધન નું સંચાલન કર્યું, ઉત્તરોત્તર પૂર્વ તરલતાની સ્થિતિ ના સ્તરને તટસ્થતાની નજીક પહોંચાડ્યો. ત્રીજા ત્રિમાસમાં નવેમ્બર પહેલાં સુધી, તરલતાની સ્થિતિ હળવા વધારાના મોડમાં રહી. રીઝર્વ બેન્કે નાણાકીય વર્ષ દરમ્યાન ઓ. એમ. ઓ. ખરીદીના માધ્યમથી અત્યાર સુધી રૂપિયા 1.1 ટ્રીલીયન ની તરલતા પૂરી પાડી, જેમાં ઓક્ટોબરમાં રૂપિયા 100 બીલીયન ના ઓ. એમ. ઓ. ખરીદીના લીલામ નો પણ સમાવેશ થાય છે. જો કે એસ. બી. એન. ની ફેરબદલી એ વધુ અધિશેષ તરલતાનો ભય ઊભો કર્યો છે જેના માટે અસાધારણ સંચાલનની જરૂરિયાત છે, તેને હંગામી / અસ્થાયી તરીકે જોવી જોઈએ. રીઝર્વ બેંક એપ્રિલમાં અમલમાં મૂકેલ સંશોધિત રૂપરેખાના ઉદ્દેશો અનુસાર તરલતા પરિચાલનોને સંચાલીત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધારાની તરલતા નું દબાણ ઓછું થવાથી સીસ્ટમ લેવલની તરલતાને તટસ્થતા ની સ્થિતિ સુધી લઇ જઈ શકાય.

18. સમિતિની દ્રષ્ટિએ, આ દ્વિમાસિક સમિક્ષા ઊંચી અચોક્ક્સ્તાઓની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવી છે. વૈશ્વિક સ્તર પર, અમેરિકામાં ઝઝૂમતી કડક નાણાનીતિ થી નાણા બજારોમાં ભારે અસ્થિરતા ની સ્થિતિ સર્જી રહી છે જે મોટા પ્રમાણમાં ફેલાવાની શક્યતા છે જેનો ઈ. એમ. ઈ. ઉપર વ્યાપક આર્થિક પ્રભાવ પડી શકે છે. ભારતમાં, ચલણ ફેરબદલીની લહેરમાં પુરવઠામાં અવરોધોના કારણે આ વર્ષે વૃદ્ધિ દર ઘટી શકે તેમ છે, તેમની પૂર્ણ અસરો અને તેની દ્રઢતા અંગે નિર્ણય કરતા પહેલાં વધુ માહિતી અને અનુભવનું વિશ્લેષણ કરવું મહત્વનું છે. – ટૂંકા ગાળાની ઘટનાઓ કે જે અંદાજને અપ્રમાણસર રીતે અસર કરે છે તે નાણાકીય નીતિના વલણને નક્કી કરવાના સંબંધમાં સાવધાની રાખવાની આવશ્યક્તા દર્શાવે છે. વ્યાપક અપેક્ષાઓ મુજબ, જો અસર / પ્રભાવ ક્ષણિક છે તો વૃદ્ધિમાં મજબૂતાઈથી ફેરફાર થવો જોઈએ. ફુગાવા તરફ વળતા, ખાદ્ય પદાર્થોની કિંમતો, શાકભાજી સિવાય, નિરંતર મજબૂતાઈ દર્શાવે છે અને તેમાં ગતિ આવી રહી છે. તાજેતરની ઘટનાઓનું ચિંતાજનક લક્ષણ ખાદ્ય પદાર્થો અને બળતણ સિવાય ફુગાવામાં અસ્થિતીસ્થાપક ઘટાડો છે જે હેડલાઈનમાં ભવિષ્યની નીચલી ગતિવિધિઓ માટે એક પ્રતિરોધક સ્તર સ્થાપીત કરી શકે છે. વધુમાં, ક્રુડના ભાવોમાં અસ્થિરતા અને નાણાકીય બજારોમાં અશાંતિ માં વધારો 2016 – 17 ના ચોથા ત્રિમાસ માટે ફુગાવાના લક્ષ્યાંક ને જોખમમાં નાખી શકે છે. રેખાંકિત ફુગાવાના આ સંકેતો જોતા, નાણાકીય નીતિના વલણને નક્કી કરતી વખતે એસ. બી. એન. ના પરત ખેંચવાની અસ્થાયી પણ અસ્પષ્ટ અસરોના માધ્યમથી અવલોકન કરવું યોગ્ય છે. તેથી સમતોલ માટે, આ પરિબળો કેવી રીતે કાર્ય કરે છે અને આઉટલુક પર કેવી રીતે અસર કરે છે તેનું અવલોકન કરવું અને રાહ જોવી ઈચ્છનીય ગણાશે. તે પ્રમાણે, આ સમીક્ષામાં નીતિ રેપોરેટને રોકી રાખ્યો છે જયારે ઉદાર નીતિના વલણને જાળવી રાખવામાં આવે છે.

19. નાણાકીય નીતિના નિર્ણયના પક્ષમાં છ સભ્યોએ મતદાન કર્યું. એમ. પી. સી. ની મીટીંગનું કાર્યવૃત્ત 21 ડીસેમ્બર 2016 ના દિવસે પ્રકાશિત કરવામાં આવશે. એમ. પી. સી. ની હવે પછીની મીટીંગ 7 અને 8 ફેબ્રુઆરી 2017 એ નક્કી કરેલી છે અને તેનો ઠરાવ 8 ફેબ્રુઆરી 2017 ના દિવસે રીઝર્વ બેન્કની વેબસાઈટ પર મૂકશે.

પોલીસી રેટ ને 6.25% એ યથાવત રાખવાના ઠરાવ પર મતદાન

સભ્ય મત
ડૉ. ચેતન ઘાટે હા
ડૉ. પામી દુઆ હા
ડૉ. રવીન્દ્ર ધોળકિયા હા
ડૉ. માઈકલ દેવવ્રત પાત્ર હા
શ્રી. આર. ગાંધી હા
ડૉ. ઉર્જિત આર. પટેલ હા

ડૉ. ચેતન ઘાટે નું નિવેદન

20. એસ. બી. એન. ના પરત ખેંચવાના કારણે વધેલી અનિશ્ચિતતાઓ ના કારણે અને નવેમ્બર માટે આભાસિક રૂપે કોઈ નક્કર ડેટા ન હોવાના કારણે, “પ્રતિક્ષા અને નિરિક્ષણ” કરવું વિવેકપૂર્ણ હશે.

21. જયારે એસ. બી. એન. ના પરત ખેંચવાના કારણે નકારાત્મક માંગ ના ઝટકાથી વપરાશી માંગમાં ઘટાડો આવશે, ત્યારે સમગ્ર રોકાણ ભાવના અને રોકાણ પ્રવૃત્તિ પર લાંબા સમયની અસરોનું જોખમ ઓછું છે. એવું જોખમ કે જે નબળી પડતી કુલ માંગ વર્તમાન ધિરાણ ચક્રને વધારી શકે છે કે જ્યાં વાસ્તવિક અર્થવ્યવસ્થા નબળી પડવાથી બેન્કોના નફામાં ઘટાડો આવશે કે જે ધિરાણ પ્રતિબંધો તરફ દોરી જશે કે જે આગળ વાસ્તવિક અર્થવ્યવસ્થાને વધુ નબળી પાડશે તે પણ ઓછું છે. એસ. બી. એન. પરત ખેંચવાની પ્રતિકૂળ અસરો નો પ્રતિકાર ડીજીટીકરણ ની આક્રમક ગતિ અને રિટેન્ડરીંગ પ્રક્રિયા દ્વારા લેવડદેવડ માટે નાણાની માંગ ને તીવ્રતાથી પુન:સ્થાપિત કરવા ના રૂપમાં હશે. તેથી, મારી ધારણા છે કે એસ. બી. એન. પરત ખેંચવાથી માંગ અને પુરવઠાની અસર ક્ષણિક હોવી જોઈએ તથા આઉટપુટ અંતરમાં તેના પછીનો વધારો હંગામી રહેવાની સંભાવના છે. આ બાબતો દર માં ઘટાડાને અનુચિત બનાવી રહી છે.

22. આ સમયે મારી સર્વોચ્ચ ચિંતા ખાદ્ય પદાર્થો અને બળતણ સિવાયના ફુગાવાની નિશ્ચલતા થી છૂટકારો મેળવવાની છે. ઓક્ટોબરમાં શીર્ષસ્થ ફુગાવામાં ઘટાડો થયો પરંતુ ખાદ્ય પદાર્થો અને બળતણ ને છોડીને ફુગાવો ઓક્ટોબરમાં વધીને 4.9% થયો અને સાનુકૂળ આધાર પ્રભાવો છતાંપણ સ્થિર રહ્યો. એ પણ શક્યતા છે કે ફુગાવાની અપેક્ષાઓમાં નોંધપાત્ર ઘટાડા પછી જ મુખ્ય પ્રવૃત્તિઓ માં ઘટાડો થઇ શકે છે. છેલ્લી સમિક્ષા પછી, બિન – ખાદ્ય ચીજવસ્તુઓ (જેવીકે ધાતુઓ, ઓઈલ) માં તદ્દન વિપરીત સ્થિતિ પણ આવી છે. આ કહ્યા પછી, ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવા માં તીવ્ર ઘટાડો થયો જો કે મોટા ધાન્ય સંબંધી ફુગાવો ધીમે ધીમે વધી રહ્યો છે અને દાળ તથા ઉત્પાદનો ખાદ્ય ફુગાવામાં મુખ્ય ફાળો આપનારા છે. જો કે બફર સ્ટોક થી મોટા ધાન્ય ની કિંમતો ને નિયંત્રિત કરી શકાય છે, શાકભાજી નો ફુગાવો ક્ષણીક સ્વરૂપનો છે, તેની પ્રવૃત્તિમાં વિપરીત સ્થિતિ થવાની સંભાવના છે. રાહતની બાબત એ છે કે ગયા મહિનાની સરખામણીમાં, થોડીક ચીજવસ્તુઓ હમણાં ફુગાવાને દોરી રહી છે, જેનો અર્થ એ છે કે ફુગાવાનું ઓછું સામાન્યકરણ થઇ રહ્યું છે. એસ. બી. એન. ના પરત ખેંચવાથી થોડો ડીસઇન્ફલેશન પણ આવશે પરંતુ કેટલાક સમય પછી.

23. જાન્યુઆરી 2015 અને નવેમ્બર 2016 વચ્ચે પોલીસી રેટમાં 175 આધાર અંકો ના ઘટાડા છતાંપણ સપ્ટેમ્બર 2016 સુધીના ડેટા માટે બાકી રૂપિયાની લોનો પર ભારિત સરેરાશ ધિરાણ દર (ડબ્લ્યુ. એ. એલ. આર.) માં માત્ર 71 આધાર અંકો સુધી જ ઘટાડો થયો છે. અત્યારસુધીના અપૂર્ણ વ્યાજ દર પાસ થ્રુ ના કારણે આ તબક્કે એક વધારાના કટ (ઘટાડો) થી બેંકો કદાચ ઘટાડાનો વધારે લાભ નહીં આપે.

24. જ્યારે પ્રથમ સપ્તાહમાં યુનિયન બજેટ ની જાહેરાત થયા બાદ એક વધારાનું આંકડા બિંદુ મળશે.

25. આ બાબતોને વિચારણામાં લેતાં, હું મોનેટરી પોલીસી સમિતિની આજની મીટીંગ માં નીતિ રેપોરેટ 6.25% એ યથાવત રાખવા માટે મારો મત આપું છું. હું એમ પણ માનું છું કે સમિતિ એ હવે નાણાંકીય નીતિના સંચરણ સાથે જોડાયેલ અંતરાલો નો જોતાં મધ્યાવધિ ફુગાવાના 4 + - 2 ટકાના લક્ષ્યાંક ના મધ્યબિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ડૉ. પામી દુઆ નું નિવેદન:

26. ઇકોનોમિક સાયકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ઈ. સી. આર. આઈ.) દ્વારા ઉપલબ્ધ કરાવેલ ભારતીય અગ્રણી સંકેતકોના આધારે, એવું અનુમાન કરી શકાય કે એસ. બી. એન. ના પરત ખેંચવાના નિર્ણય અગાઉ ભારતીય અર્થતંત્ર એક લવચીક સ્થિતિમાં હતું. એ પણ નોંધ લઇ શકાય કે એક અગ્રણી સૂચકઆંક આર્થિક પ્રવૃત્તિમાં ફેરફારોની આગાહી કરે છે અને આ રીતે અર્થતંત્રમાં ચક્રિય પલટાવનું અનુમાન છે. ખાસ કરીને, ભારતીય અગ્રણી સૂચકઆંક વૃદ્ધિમાં સ્પષ્ટ ચક્રિય ઉછાળો અને એસ. બી. એન. ના પરત ખેંચ્યા અગાઉ બે વર્ષના સૌથી ઊંચા સ્તર પર પહોંચ્યા પછી, પાનખર મહિનાઓમાં આવતા જ આર્થિક વૃદ્ધિ નો અંદાજ ઘણો વધારે આશાસ્પદ થઇ ગયો છે, જે સંભવિત નકારાત્મક ઝટકાઓ માટે અર્થવ્યવસ્થાના લવચિકપણા ને રેખાંકિત કરી રહ્યો છે. આ રીતે, ધંધાકીય ચક્રિય દ્રષ્ટિકોણ થી આ સમયે ભારતીય અર્થવ્યવસ્થા કમજોર ન હતી. આ ઉપરાંત, ઈ. સી. આર. આઈ. ના ભારતીય અગ્રણી નિકાસ સૂચકઆંક કે જે ભારતીય નિકાસ વૃદ્ધિનો અગ્રદૂત છે, ની વૃદ્ધિ માં પણ નિર્ણાયક ચક્રિય ઉછાળો થઇ રહ્યો હતો. આ દર્શાવે છે કે નિકાસ વૃદ્ધિ માં સુધાર આર્થિક પ્રવૃત્તિ માં વૃદ્ધિ ને વધારાની સહાય પૂરી પાડશે, ખાસ કરીને ઈ. સી. આર. આઈ. ના વૈશ્વિક અગ્રણી સૂચકઆંકો દ્વારા સૂચવાયેલ ઉજ્જવળ વૈશ્વિક વૃદ્ધિ ની સંભાવનાઓના સંદર્ભમાં. આ પૃષ્ઠભૂમિમાં, એસ. બી. એન. ના પરત ખેંચવાથી આર્થિક પ્રવૃત્તિ પર કેવળ ક્ષણીક પ્રભાવ પડવાની અપેક્ષા છે.

27. ઉપરાંત, જાન્યુઆરી 2015 થી પોલીસી રેટમાં કુલ 175 આધાર અંકો ના ઘટાડા સાથે, બેંકો દ્વારા ધિરાણ દરોમાં વધુ લાભ આપવા માટે સંજોગો અનુકૂળ છે. દરમ્યાન, ઉચ્ચત્તર આંતરાર્ષ્ટ્રીય બોન્ડના વળતર અને ઈ. સી. આર. આઈ. ના યુ. એસ. ફ્યુચર ઇન્ફલેશન ગેજ (જે યુ. એસ. ના ફુગાવાનું પૂર્વાનુમાન કરે છે) માં મજબૂત વૃદ્ધિ ના પરિપ્રેક્ષ્ય માં, યુ. એસ. ફેડરલ રીઝર્વ આ મહીને તેના પોલીસી રેટ માં વધારો કરે તે અપેક્ષિત છે.

28. ઉપર્યુક્ત ને ધ્યાન માં રાખતા, પોલીસી રેટ ને 6.25% એ યથાવત રાખવાના ઠરાવને સમર્થન આપું છું.

ડૉ. રવીન્દ્ર એચ. ધોળકિયા નું નિવેદન:

29. ડીસેમ્બરની સમિક્ષામાં, પોલીસી રેટ ને યથાવત રાખવાની તરફેણ અને વિરુદ્ધ માં તમામ દલીલો પર વિચાર કરતાં, હું મારા મત માટે નીચેના કારણો ને પ્રતિતિજનક માનું છું.

30. માર્ચ 2017 ની સમાપ્તિ પર સી. પી. આઈ. બાસ્કેટ માં ચીજવસ્તુઓ ના સમૂહના મૂલ્યાંકન દ્વારા પ્રાપ્ત સી. પી. આઈ. શીર્ષસ્થ ફુગાવા માટે રીઝર્વ બેંક નું પૂર્વાનુમાન લગભગ 5 ટકા છે. જેમાં કેટલુંક ઉપરની બાજુ જોખમ છે. જો કે વધારે એકીકૃત ઇકોનોમેન્ટ્રીક મોડલ પર આધારિત મારું પોતાનું પૂર્વાનુમાન ઓછું છે, પરંતુ તેના અંદાજોનો ગાળો ફુગાવાના દર માર્ચ 2017 અને જૂન 2017 માં થ્રેશહોલ્ડ કરતાં વધવાની તક દર્શાવે છે.

31. છેલ્લાં કેટલાક મહિનાઓમાં મુખ્ય ફુગાવો (ખાદ્ય પદાર્થો અને બળતણ સિવાય) 5 ટકાની નજીક નિશ્ચળ જોવા મળે છે. આરબીઆઇ ના સર્વેક્ષણ દ્વારા પ્રદર્શિત સીમાંતરૂપે ઓછી થતી પરંતુ હજુપણ વધુ ઊંચા ફુગાવાની અપેક્ષાઓ સાથે આના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

32. એસ. બી. એન. અને સંબંધિત નીતિઓ પર ની તાજેતર ની ઘટનાઓ જોતાં, આવનારા કેટલાક સમયમાં બેન્કિંગ ક્ષેત્રમાં ઘણી વધારે તરલતા આવવાની શક્યતા છે કે જે આપ મેળેજ રેપો રેટ કરતા બેંકો ના ધિરાણ દર પર ઘણી વધારે અસર કરશે.

33. જાન્યુઆરી 2015 થી રેપોરેટ માં 175 આધાર અંકોના સંચયી ઘટાડા માંથી ફાયદો અત્યાર સુધીમાં બાકી રૂપિયાની લોનો પર ના ભારિત સરેરાશ ધિરાણ દર (ડબ્લ્યુ. એ. એલ. આર.) માં 50 ટકાથી ઓછો અને નવી રૂપિયાની લોનો પર ના ડબ્લ્યુ. એ. એલ. આર. માં લગભગ 60 ટકા ઘટાડાના રૂપમાં આપવામાં આવ્યો છે જયારે ડીપોઝીટ પર ના રેટમાં તે 70 ટકાથી વધુ છે. આ પ્રમાણે, બેંકો તરફથી ધિરાણ દર માં વધુ લાભ આપવાની પર્યાપ્ત ગુંજાઇશ છે.

34. બંને બાહ્ય અને ઘરઆંગણા ના આર્થિક વાતાવરણ પર વર્તમાનમાં સમિતિના ઠરાવમાં દર્શાવ્યા મુજબ કેટલીક અજોડ અચોક્ક્સતાઓની અસર છે. આ તબક્કે, વ્યક્તિગત તથા ચોખ્ખી અસરો ની માત્રા સ્પષ્ટ નથી. અનિશ્ચિતતાઓ ના આવા વાતાવરણમાં, સ્વીકૃત મોટા બાહ્ય અંતરાલો સાથે રેપોરેટ ની બાબતમાં કોઇપણ નીતિ વિષયક હસ્તક્ષેપ અચોક્ક્સતાઓમાં વધારો કરવાની સંભાવના છે કે જે અર્થવ્યવસ્થા માટે યોગ્ય નહીં હોય.

35. જો કે એસ. બી. એન. પર ની તાજેતરની ઘટનાઓને અર્થતંત્ર માટે બાહ્ય ઝટકા રૂપે વિચારી શકાય છે કે જે જીડીપી વૃદ્ધિના પૂર્વાનુમાન ને ઓછું કરવામાં પરિણમી છે, પરંતુ તેને વ્યાપક રૂપે ક્ષણિક અથવા હંગામી ઘટના ના રૂપમાં માનવામાં આવી રહી છે. જો આ પ્રમાણે હોય તો, નીતિ વિષયક હસ્તક્ષેપ સલાહભર્યો નથી કે જે લાંબા વિતરણ અંતરાલો ને સંડોવે છે; કારણકે તે પ્રણાલી તે અસ્થિર કરી શકે છે અથવા ભવિષ્યમાં નીતિના વલણ અને કાર્યોમાં પરિહાર્ય અનિશ્ચિતતા ઊભી કરી શકે છે.

ડૉ. માઈકલ દેવવ્રત પાત્ર નું નિવેદન:-

36. નાણાકીય નીતિ સમિતિ (એમ. પી. સી.) ના ઠરાવમાં બતાવ્યું છે તે પ્રમાણે પરિબળો ની અપવાદાત્મક સંરચના થી સંભાવના નું સ્પષ્ટ મૂલ્યાંકન ધૂંધળું થઇ રહ્યું છે. જયારે ઘરેલું પુરવઠામાં અવરોધો અને માંગનું સંકોચન ક્ષણિક દેખાઈ રહ્યું છે, રાજનૈતિક ફેરફારોના મેક્રોઈકોનોમિક જોખમો માં પરિવર્તન સહિત વૈશ્વિક ઘટનાઓ શક્યત: લાંબા સમય માટે અને વધુ પડકારજનક થવાની સંભાવના છે. આ પરિસ્થિતિઓ માં, પૂર્વ સાવધાની તરીકે પદ્ધતિ નું કાળજીપૂર્વક નું નિરિક્ષણ જરૂરી છે કે જેમાં આ દબાણો કાર્ય કરે અને નજીક થી મધ્યાવધિ ને પ્રભાવિત કરે. ખાસ કરીને, વર્ષ 2016 – 17 ના ચોથા ત્રિમાસમાં 5 ટકાના ફુગાવાના દર ના લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે કારણકે આ સમયે શાકભાજી સિવાય કેટલાક ખાદ્ય પદાર્થો ની કિંમતમાં વધારો, આંતર રાષ્ટ્રીય ચીજ વસ્તુઓ ના ભાવ, ખાસ કરીને ક્રુડ ઓઈલ ના ભાવમાં વધારો તથા ખાદ્ય પદાર્થો અને બળતણ સિવાય ના ફુગાવામાં નીચેની તરફ ની અસ્થીતિસ્થાપકતા હોવા છતાંપણ ઉપરની તરફના જોખમો છે. પાંચ ટકાનો લક્ષ્યાંક પ્રાપ્ત થવાથી ચાર ટકાના ફુગાવાના લક્ષ્યાંક અર્થાત્, લક્ષ્યાંક વિસ્તાર ના મધ્યબિંદુ માટે નાણાનીતિ ની વચનબદ્ધતા માં વિશ્વાસ ઉત્પન્ન થશે. તેથી, હું જાન્યુઆરી 2015 થી પોલીસી રેટમાં 175 આધાર અંકો ના ઘટાડાનો લાભ આપવાની અનુમતી આપીને પોલીસી રેટ ને યથાવત રાખવાની તરફેણમાં મત આપું છું કે જેથી નાણાનીતિ ના વલણ માં ઊદારતા જાળવી શકાય.

ડૉ. આર. ગાંધી નું નિવેદન:-

37. હું એમ. પી. સી. ના નાણાનીતીના ઠરાવ માં બતાવેલા મૂલ્યાંકન સાથે સંપૂર્ણ સહમત છું અને નીચેના કારણોથી રેપોરેટમાં કોઇપણ પ્રકારનો ફેરફાર નહીં કરવાની તરફેણમાં મારો મત આપું છું:

38. રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેંક નોટોના કાયદેસરના ચલણ તરીકેના દરજ્જાને પરત ખેંચવાના નિર્ણયની મેક્રોઈકોનોમિ પર અલ્પકાલીન અસરો બાબતે અનિશ્ચિતતા છે, જો કે અસર ક્ષણિક રહેવાની સંભાવના છે.જો કે હું અર્થતંત્ર ના મધ્યાવધિ વૃદ્ધિ અનુમાનો માં નીચેની તરફ કોઈ ગણનાપાત્ર જોખમ જોતો નથી. જો કે અન્ય અનિશ્ચિતતાઓ પણ છે ખાસ કરીને તેલની કિંમતોની સ્થિતિ અને ભૂ – રાજકીય પરિસ્થિતિ. દૂરદર્શી નાણાનીતિ ની રૂપરેખા માટે, નાણાનીતિ ના સંચરણમાં અંતરાલો ને જોતાં સર્વોચ્ચ અનિશ્ચિતતા વચ્ચે પોલીસી રેટ ની કાર્યવાહી થી માત્ર સૂચક રીતે અલ્પકાલીન ઘટનાઓ અને અપેક્ષાઓ વધશે જે મધ્યાવધિ સંભાવનાઓ ને અસર કરશે જેને દૂર રાખવાની જરૂર છે.

39. અનિશ્ચિતતા થી ભરેલા વાતાવરણમાં, નાણાકીય નીતિની કાર્યવાહી માટે સક્ષમ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરવી અને તેને બળ આપવું વધારે મહત્વપૂર્ણ છે કે જેથી આગળ જતાં વધુ અસકારક રીતે કાર્ય કરી શકાય.

ડૉ. ઉર્જિત આર. પટેલ નું નિવેદન:-

40. ખાદ્ય પદાર્થો અને બળતણ ને છોડીને ફુગાવો અચલ રહ્યો છે. આંતર્રાષ્ટ્રીય ક્રુડ ઓઈલની કિંમતો મજબૂત થઇ છે. વૈશ્વિક નાણાકીય સ્થિતિઓ એ મેક્રોઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમ ઊભું કર્યું છે જ્યાં મૂડી પ્રવાહો માં મોટા ચઢાવ – ઉતાર અને મિલકતની કિંમતો અસ્થિરતા પ્રદાન કરી રહી છે કે જે ફુગાવામાં પરિવર્તિત થઇ રહી છે. આ અનિશ્ચિતતા શમવાનું ચિન્હ દેખાતું નથી અને જયારે યુ. એસ. ની મેક્રોઈકોનોમિક અને વેપાર નીતિઓ ને પુન:નિર્ધારિત કરવામાં આવી રહી છે ત્યારે તે આવનારા વર્ષમાં વધવાની સંભાવના છે. જો કે, ભારતમાં ડીસઇન્ફલેશન પ્રક્રિયામાં વધતી વિશ્વસનીયતા ડીસેમ્બર 2015 સુધી બે અંકોમાં પ્રવર્તમાન ઘરેલું ફુગાવાની અપેક્ષાઓ જે નીચી ગઈ છે, તેઓ વધેલી રહેશે અને ફુગાવાના સેવા ઘટકમાં આવશે. હાલમાંજ, ખાદ્ય ફુગાવામાં સ્થિર સહજતાએ ફુગાવાની અપેક્ષાઓમાં, તાજેતર ના છેલ્લા સર્વેક્ષણમાં, ઘટાડો કર્યો છે.

41. એસ. બી. એન. ને પરત ખેંચવાની વૃદ્ધિ અને ફુગાવા પર અસર ક્ષણિક છે, જો કે હજુ અનિશ્ચિત છે. આ પૃષ્ઠભૂમિમાં, નાણાકીય નીતિ માટે મધ્યાવધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે અને ટકાઉ ધોરણે નોટીફાઈડ ફુગાવાના લક્ષ્યાંક અર્થાત્, ચાર ટકાના મધ્યબિંદુ ને પ્રાપ્ત કરવા નો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉદ્દેશના અન્ય જોખમો પણ છે. સાતમા કેન્દ્રીય પગાર પંચ ના એવોર્ડ હેઠળ ઉચ્ચત્તર ભથ્થાઓ ની પૂર્ણ ખર્ચ વધારવાની અસરો વર્ષ 2017 – 19 માં ફુગાવાના પરિણામો અને ફુગાવાની અપેક્ષાઓને પ્રભાવિત કરશે. માલસામાન અને સેવાઓ પરના કર (GST) ના અમલીકરણથી ફુગાવામાં એકવાર વધારો થઇ શકે છે પણ તે હળવો હશે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલીયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીઝ (ઓપેક) નો ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કે જેને ચાવીરૂપ નોન – ઓપેક દેશોનો પણ ટેકો મળેલ છે, તે માંગ અને પુરવઠામાં સમતોલન થતાં ક્રુડની કિંમતો વધારશે. અન્ય ચીજવસ્તુઓની કિંમતોમાં તાજેતરની હલચલ પણ સૂચવે છે કે વૈશ્વિક ચીજવસ્તુઓ નું કિંમત ચક્ર બદલાઈ શકે છે. વિકસિત અર્થતંત્રોમાં ફુગાવો શરૂઆતથી વધી રહ્યો છે અને 2017 માં 2016 ના સ્તર કરતાં નોંધપાત્ર વધવાની અપેક્ષા છે. વર્ષ 2016 – 17 ના ચોથા ત્રિમાસમાં પાંચ ટકાનો ફુગાવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવો અને નોટીફાઈડ લક્ષ્યાંક વિસ્તારના મધ્યબિંદુ અર્થાત્ ચાર ટકા ને પ્રાપ્ત કરવો તે પ્રાથમિક ઉદ્દેશ રહે છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત: 2016 – 2017/1606

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?