ભારતીય રિઝર્વ બેંકે ગુજરાત રાજ્યના અમદાવાદમાં આવેલી પ્રોગ્રેસીવ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લાદયો
|
ભારતીય રિઝર્વ બેંકે 08 સપ્ટેમ્બર 2025 ના આદેશ દ્વારા ગુજરાત રાજ્યના અમદાવાદમાં આવેલી પ્રોગ્રેસીવ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકોમાં નિરીક્ષણ અને ઓડિટ પ્રણાલીઓ’, ‘તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ અને ‘ગ્રાહક સુરક્ષા - અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં સહકારી બેંકોના ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા પાલન ન થવા બદલ ₹3 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા) નો દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ 2024 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં તેનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોનું પાલન ન કરવાના નિરીક્ષણીય તારણો અને તેને સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં ઉપરના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ તેના પર દંડ કેમ ન લાદવો તે સબબ કારણ જણાવવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ અંગે બેંકના જવાબને ધ્યાનમાં લેતાં ભારતીય રિઝર્વ બેંકને અન્ય બાબતોની સાથે બેંક સામે નીચે મુજબના આરોપ યથાવત રહેતા હોવાનું લાગતાં આ નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે: બેંક: i) લેવડદેવડના વ્યવહારોની સમાંતરે તપાસણી કારવાને બદલે ત્રિમાસિક ધોરણે કંકરન્ટ ઓડિટ કરાવતું હતું તેમ જ તેના અહેવાલો પ્રસ્તુત કરવામાં વિલંબ થયો હતો; ii) કેટલાક ખાતાઓની ઓછામાં ઓછી છ માસમાં એક વખત જોખમ-વર્ગીકરણ (રિસ્ક કેટેગરાઈઝેશન)ની સામયિક સમીક્ષા કરવામાં નિષ્ફળ રહી હતી; અને iii) તેના ગ્રાહકોને વાંધાજનક અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો અંગે જાણ કરતી એસએમએસ ચેતવણીઓનો ત્વરિત પ્રતિસાદ કરવા માટે વિકલ્પની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, આ નાણાકીય દંડ લાદવાથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક સામે કરવામાં આવી શકે તેવી અન્ય કોઈ પણ કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2025-2026/1081 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: