ભારતીય રિઝર્વ બેંકે સરદારગંજ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, પાટણ , જીલ્લો પાટણ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે 08 ઓગસ્ટ 2025 ના આદેશ દ્વારા ગુજરાત રાજ્યના પાટણમાં આવેલી સરદારગંજ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (બેંક) પર 'સહકારી બેંકો - થાપણો પર વ્યાજનો દર” અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા પાલન ન થવા બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા) નો દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ 2024 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં બેંકનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવાના નિરીક્ષણીય તારણો અને તેને સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં, ઉપરના નિર્દેશોનું પાલન કરવામાં તેની નિષ્ફળતા બદલ તેના પર દંડ કેમ ન લાદવો તે સબબ કારણ જણાવવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ અંગે બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ ભારતીય રિઝર્વ બેંકને અન્ય બાબતોની સાથે બેંક સામે નીચે મુજબનો આરોપ યથાવત રહેતા હોવાનું લાગતાં આ નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે: બેંકે ચાલુ ખાતા સિવાયના ખાતાઓમાં કેટલીક વ્યાજમુક્ત થાપણો સ્વીકારેલ છે. સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, આ નાણાકીય દંડ લાદવાથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક સામે કરવામાં આવી શકે તેવી અન્ય કોઈ કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે.(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2025-2026/914 |