ભારતીય રિઝર્વ બેંકે ધી વલસાડ મહિલા નાગરીક સહકારી બેંક લિ., જી. વલસાડ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી વલસાડ મહિલા નાગરીક સહકારી બેંક લિ., જી. વલસાડ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 14 ઓગસ્ટ, 2024ના આદેશ દ્વારા, ધી વલસાડ મહિલા નાગરીક સહકારી બેંક લિ., જી. વલસાડ, ગુજરાત (બેંક) પર ‘આવક નિર્ધારણ, મિલકત વર્ગીકરણ, જોગવાઈઓ અને અન્ય સંબંધિત બાબતો’, ‘સહકારી બેંકો દ્વારા ધિરાણ માહિતી કંપનીઓની સદસ્યતા’, ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) માનદંડો’ અને ‘થાપણ ખાતાઓનો નિભાવ – પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.25 લાખ (રૂપિયા એક લાખ પચીસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46 (4)(ટ) અને 56ની સાથે પઠિત કલમ 47એ (1) (ગ) અને ધિરાણ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન સંબંધિત પર્યવેક્ષણીય તારણો (supervisory findings) અને તે સંદર્ભમાં કરવામાં આવેલા સંબંધિત પત્રવ્યવહારના આધારે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર, વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતો તેમજ તેના દ્વારા કરવામાં આવેલી વધારાની રજૂઆતોના પરીક્ષણને ધ્યાનમાં લીધા બાદ, અન્ય બાબતોની સાથે સાથે, ભારતીય રિઝર્વ બેંકને એમ જાણવામાં આવ્યું કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચેના આરોપો સાબિત થાય છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંકે (i) આવક નિર્ધારણ, મિલ્કત વર્ગીકરણ અને જોગવાઈઓ કરવાના માનદંડોના સંદર્ભમાં કેટલાક લૉન ખાતાઓને બિનઉપજાઉ અસ્કયામતો તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી, (ii) માર્ચ 31, 2023ના રોજ ત્રણ ધિરાણ માહિતી કંપનીઓ (CICs)ને માહિતી પ્રસ્તૂત કરવામાં નિષ્ફળ રહી હતી, (iii) નિર્ધારિત સમયાંતર મુજબ કેવાયસીનું જોખમ આધારિત મુદતી અદ્યતનીકરણ કરવામાં નિષ્ફળ રહી હતી, અને (iv) જે ખાતાઓમાં ગ્રાહક-પ્રેરિત વ્યવહાર બે વર્ષથી વધુ સમયથી નહોતા થયા, તેવા ખાતાઓને નિષ્ક્રિય/સુષુપ્ત તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) प्પ્રેસ જાહેરાત: 2024-2025/976 |