શ્રી શક્તિકાન્ત દાસ આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત
ડિસેમ્બર 12, 2018 શ્રી શક્તિકાન્ત દાસ આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત શ્રી શક્તિકાન્ત દાસ, સેવાનિવ્રુત્ત આઈએએસ, પૂર્વ સચિવ, મહેસૂલ વિભાગ અને આર્થિક બાબત વિભાગ, વિત્ત મંત્રાલય, ભારત સરકારે ડિસેમ્બર 12, 2018 થી ભારતીય રિઝર્વ બેંકના 25મા ગવર્નર તરીકેનો પદભાર સંભાળ્યો. તેમના વર્તમાન કાર્યકાળના તત્કાળ પહેલાં, તેઓ ભારતના 15મા વિત્ત આયોગ અને જી20 શેરપાના સભ્ય તરીકે કાર્ય કરી રહ્યા હતા. શ્રી શક્તિકાન્ત દાસની પાસે શાસનના વિભિન્ન ક્ષેત્રોમાં છેલ્લા 38 વર્ષોનો વ્યાપક અનુભવ છે. શ્રી દાસે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોમાં વિત્ત, કરવેરા, ઉદ્યોગ, બુનિયાદી માળખું વિગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પદો પર કાર્ય કરેલ છે. ભારત સરકારના વિત્ત મંત્રાલયમાં તેમના દીર્ઘ કાર્યકાળ દરમિયાન, તેઓ 8 કેન્દ્રીય બજેટ તૈયાર કરવાની કામગીરી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હતા. શ્રી દાસે વિશ્વ બેંક, એશિયાઈ વિકાસ બેંક (એડીબી), ન્યૂ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) અને એશિયન ઇંન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (એઆઈઆઈબી) માં ભારતના વૈકલ્પિક ગવર્નર તરીકે પણ કાર્ય કરેલ છે. તેઓએ આઈએમએફ, જી20, બ્રિક્સ, સાર્ક વિગેરે જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે. શ્રી શક્તિકાન્ત દાસે સેંટ સ્ટીફન કૉલેજ, દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકોત્તર કરેલ છે. જોસ જે. કટ્ટૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/1362 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: